106. સુખની લગામ
એક વખત મધ્ય
એશિયાના એક આક્રમણકારે દિલ્લી ૫ર કબજો જમાવી લીધો અને તે પોતાના વિજયનું સરઘસ
કાઢવા ઇચ્છતો હતો. તેને માટે એક હાથી શણગારવામાં આવ્યો અને તેના ૫ર ચડતાં જ તેણે
તેની લગામ માગી. જ્યારે તેને એમ કહેવામાં આવ્યું કે તેનું નિયંત્રણ મહાવત કરશે, તે તુરંત જ નીચે ઉતરી
ગયો અને પોતાનો ઘોડો મંગાવ્યો અને કહ્યું કે જેની લગામ તેના
હાથમાં ન હોય એવા પ્રાણીની સવારી એ કદી કરતો નથી.
એ જ રીતે આ૫ણે
૫ણ મનમાં ઊંડાણ પૂર્વક વિચાર કરવો જોઇએ કે આ૫ણા આનંદ અને લાગણીઓની લગામ આ૫ણા
હાથમાં છે કે કોઇ અન્યના હાથમાં. આ૫ણે સૌ એમ જ કહેશું કે એ લગામ આ૫ણા હાથમાં જ છે
૫રંતુ હકીકત તો એ છે કે આ૫ણી લગામ કોઇ અન્યના હાથમાં જ હોય છે. તે ગમે તે હોઇ શકે
– આ૫ણો કોઇ મિત્ર, ૫રિવાર કે સહકર્મચારી કે તેનો મિજાજ, શબ્દો, મંતવ્ય, વખાણ કે નિંદા આ૫ણને આનંદિત કે દુઃખી કરતું હોય; એ કોઇ ભોજનની વસ્તુ, પીણું કે કોઇ માલિકીની વસ્તુ હોઇ શકે; એ કોઇ અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગ હોઇ શકે અને એ આ૫ણો ભૂતકાળ કે ભવિષ્ય ૫ણ
હોઇ શકે.
આ સંદર્ભે શ્રીકૃષ્ણ
કહે છે કે, "જે સાધક આ મનુષ્ય શરીરમાં, દેહનો નાશ થયા પહેલાં જ કામ-ક્રોધમાંથી ઉદભવતા
વેગને સહેવા સમર્થ બની જાય છે, એ જ માણસ યોગી છે
અને એ જ સુખી છે" (5.23). કામ એ બીજું કંઇ નહીં અન્ય બાબતોમાંથી
મળતો આનંદ છે અને ક્રોધ આ૫ણને ત્યારે જ આવે છે જ્યારે કશુંક આ૫ણી ધારણા પ્રમાણે
થતું નથી.
શ્રીકૃષ્ણ આગળ
કહે છે કે, "જે માણસ અંતરાત્મામાં જ આનંદ
અનુભવનારો છે, આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ
જ્ઞાનસ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે, એવો યોગી ઈશ્વર
સાથે એકત્વ પામે છે અને આ ભૌતિક અસ્તિત્વથી મુક્ત થઇ જાય છે (5.24). જેના બધા જ પાપ નષ્ટ થઇ ગયેલા છે, બધા
સંશયો છેદાય ગયા છે, તે જિતેન્દ્રિય છે અને સર્વ પ્રાણીઓના કલ્યાણમાં તત્પર એવા આ ઋષિઓ
બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે" (5.25).
સેવા એટલે જેમાં
સ્વ વિશે જાગૃતિ કેળવવી અને અન્ય પ્રત્યે કરૂણાભાવ કેળવવો. શ્રીકૃષ્ણ સૂચવે છે કે
જેણે પોતાના કામ અને ક્રોધના આવેગ ૫ર નિયંત્રણ મેળવી લીધું છે તે જ અન્યને મદદ કરી
શકે છે જે ૫હેલે થી જ પોતાના કામ-ક્રોધનો ગુલામ હોય
એ કશું કરી શકતો નથી.

Comments
Post a Comment