85. કર્મ, અકર્મ અને વિકર્મ

 

'એક્ટ્સ ઓફ કમિશન એન્ડ ઓમિશન' એ સામાન્ય રીતે કાયદાની ભાષામાં વપરાતા શબ્દો છે.  કોઈ વાહન ચાલક જ્યારે યોગ્ય ક્ષણે બ્રેક મારવાનું ચૂકી જાય ત્યારે તેનાથી ચૂક થઈ કહેવાય કે જેને લીધે અકસ્માત થયો. આ ચૂક થવાની ક્રિયા અથવા તો અકર્મ એ અકસ્માત થવાના કર્મ ભણી દોરી જાય છે.

એ જ રીતે જ્યારે આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ ત્યારે આપણે આપણી પાસે રહેલા અનેક વિકલ્પો માંથી અમુક પસંદ કરીએ છીએ. જ્યારે આપણે તેમાંના એક વિકલ્પ ને પસંદ કરી અને તે પ્રમાણે કર્મ કરીએ છીએ ત્યારે અન્ય વિકલ્પો આપણા માટે અકર્મ બની જાય છે આ રીતે એ સમજણ સ્પષ્ટ થાય છે કે દરેક કર્મની પાછળ અકર્મ સંતાયેલું જ છે.

આ ઉદાહરણોથી આપણને શ્રીકૃષ્ણનું એ ગૂઢ વાક્ય સમજવામાં મદદ મળે છે કે જેમાં તેઓ કહે છે કે, “જે માણસ કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે, એ માણસ સઘળા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ યોગી સમસ્ત કર્મો કરનારો છે” (4.18).

શ્રીકૃષ્ણ કહે છે કે, "કર્મ શું છે? અને અકર્મ શું છે? - એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે" (4.16). તેઓ આગળ કહે છે કે, "કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ, કેમકે કર્મની ગતિ અતિ ગહન છે" (4.17).

એકવાર એક ચિંતનશીલ વ્યક્તિએ એક પ્રાણીને જંગલમાં ભાગી જતાં જોયું. થોડી ક્ષણો બાદ એક કસાઈ તેની પાસે આવીને પૂછે છે કે ત્યાં તેણે કોઈ પ્રાણીને જતા જોયું? હવે આ વ્યક્તિના મનમાં મૂંઝવણ ઉદ્ભવી કારણ કે જો તે સત્ય કહે તો પેલા પ્રાણીનો જીવ જાય અને અસત્ય કહેવું એ નૈતિકતાની દ્રષ્ટિએ યોગ્ય નથી. આપણે આપણી સંસ્કૃતિઓ કે ધર્મોમાં દર્શાવેલ બધી જ નિષિદ્ધ ક્રિયાઓનો સમાવેશ કરીએ તો જીવવું લગભગ અસંભવ બની જાય. શ્રીકૃષ્ણ કહે છે કે આ બાબત ખૂબ જ ઝીણવટ ભરી છે અને તેમાં જ્ઞાનીઓ પણ મૂંઝવણ અનુભવે છે.

જીવન આપણને એવી દ્વિઘામાં મૂકી દે છે કે જેમાં આપણે જે ભૌતિક સ્તર પર જીવીએ છીએ તે સ્તરે કોઈ સરળ ઉકેલો મેળવવા શક્ય નથી હોતા. આમાં જ્યારે આ૫ણે કર્તાની મર્યાદાની પેલે પાર ચાલ્યા જઇને સાક્ષી બની ૫સંદગી રહિત જાગૃતિથી જીવીએ ત્યારે જ સ્પષ્ટતા મળે છે.  


Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા