83. અસત્યનો આધાર સત્ય જ છે
આપણે જગતને જે
રીતે જાણીએ છીએ તેમાં બંને સમાવિષ્ટ છે સત્ય અને અસત્ય. કાળજીપૂર્વક આ બાબતે વિચાર
કરશો તો આપણને સમજાશે કે અસત્ય એ કંઈ જ નથી પરંતુ ખોટી રીતે સમજાયેલું એક સત્ય
છે જેનું કારણ આપણા સંજોગો કે આપણી
ઇંદ્રિયો અને મનની મર્યાદા હોઈ શકે. જાણીતી એવી સર્પ-રજ્જુ ન્યાયની વાતમાં, દોરડું સત્ય છે અને સર્પ અસત્ય છે પરંતુ તે
દોરડાં વગર તેનું અસ્તિત્વ સંભવ નથી. પરંતુ આ સમજણ આપણને આવે ત્યાં સુધી તો આપણા
બધા જ વિચારો અને ક્રિયાઓ અસત્ય પ્રમાણે જ ઘડાઈ ચુક્યા હોય છે અને ક્યારેક તો તે સમાજમાં અનેક પેઢીઓ સુધી ચાલુ રહે છે.
એ જ રીતે જો
આપણે ટેકનોલોજીને સત્યના રૂપક તરીકે ધ્યાન પર લઈએ તો તેનો દુરુપયોગ એ અસત્ય છે. એક
લાઉડ સ્પીકરનો ઉપયોગ કોઈ સારી બાબતના પ્રચાર માટે પણ થઇ શકે અને તેના ઉપયોગથી ભોળા
લોકોને હિંસા માટે ઉશ્કેરી પણ શકાય. આજના સોશ્યલ મીડિયાને પણ સત્યના એક રૂપક તરીકે
જોઈએ તો તેનો દુરુપયોગ થાય એ અસત્ય જ છે.
કૃષ્ણને સમજવા
સત્ય અને અસત્યની સમજ સ્પષ્ટ હોવી એ ખૂબ જરૂરી છે જ્યારે તેઓ કહે છે કે, ''મેં ગુણ અને કર્મોની ભિન્નતાને આધારે ચાર વર્ણો
બનાવ્યા છે, પરંતુ મને આ બાબતે અકર્તા અને
અપરિવર્તનશીલ તરીકે જાણો'' (4.13).
અહીં શ્રીકૃષ્ણ સ્પષ્ટ પણે કહે છે કે આ વિભાજનો ગુણોને આધારે છે; એ જન્મને આધારે નથી, તેમાં કોઈ સખત વાડાબંધી નથી કે નથી કોઈ ઉતરતો કે ચઢતો ક્રમ. આપણા સૌની અંદર
ત્રણે ગુણો રહેલા જ છે અને આ જુદી-જુદી માત્રામાં રહેલા ગુણોમાંથી જ કર્મના સંદર્ભમાં મુખ્ય ચાર વિભાજનો નિર્માણ પામે છે. આપણે પણ આપણી આસપાસ જોશું તો જણાશે કે અમુક લોકો જ્ઞાન
અને સંશોધન કેન્દ્રી હોય છે; અમુક લોકો રાજનીતિ
અને વ્યવસ્થાપનમાં જાય છે;
અમુકને કૃષિ અને વ્યવસાય
ફાવે છે, તો અમુકને નોકરી કે સેવા માફક આવે છે. આ
પ્રકાર નું વિભાજન આપણા ભૌતિક વિશ્વમાં વિવિધ રંગો ભરે છે જેમકે આઈન્સ્ટાઈન, એલેક્ઝાન્ડર, પિકાસો અને મધર ટેરેસા આ બધા જ જાણે મેઘધનુષના રંગો જેવા છે.
હવે જ્યારે
સત્ય એ છે કે ગુણો અને કર્મો ને આધારે મનુષ્ય ચાર પ્રકારના હોય છે ત્યારે અસત્ય એ નિર્માણ થઈ ગયું, કે સમાજ ના ઊંચ નીચ એવા માપદંડો સાથેના ચાર વર્ણો છે અને તે જન્મ આધારિત છે.

Comments
Post a Comment