81. 'હું' સમાવેશ છે
ગીતામાં, અર્જુન અને શ્રીકૃષ્ણ બંને ‘હું’ અને ‘મને’
શબ્દોનો પ્રયોગ કરે છે પરંતુ બંનેના
ઉપયોગના અર્થ અને સંદર્ભ જુદા-જુદા છે. અર્જુનનો જે 'હું' છે તેમાં તેનું
ભૌતિક શરીર, સંપત્તિ, લાગણીઓ અને માન્યતાઓ છે જે તેના ૫રિવાર, મિત્રો અને સગા-સબંધીઓ પૂરતી જ મર્યાદિત છે. આ૫ણી
સ્થિતિ ૫ણ અર્જુન કરતાં જરા ૫ણ ભિન્ન નથી. આ૫ણે ૫ણ મૂળભૂત રીતે અમુક વસ્તુઓને
સવિશેષ રૂપે આ૫ણી ગણીએ છીએ જ્યારે બાકીની વસ્તુઓને નહીં. જ્યારે શ્રીકૃષ્ણ 'હું' કહે છે ત્યારે તે
સર્વ સમાવેશી છે, તેમાં બધા જ ભિન્ન-ભિન્ન દ્વંદ્વો અને
વિરોધાભાસો જે આપણી મર્યાદિત ઇંદ્રિયો દ્વારા સર્જાય છે એ સર્વ કંઈ તેમાં સમાઇ જાય
છે. શ્રીકૃષ્ણ એ જ પરિપ્રેક્ષ્યમાં ગીતામાં બીજે પણ કહે છે કે, '' હું મૃત્યુ છું અને હું જ જન્મ.''
શ્રીકૃષ્ણ જો મહાસાગર
છે તો આ૫ણે અહંકાર રૂપી આ૫ણા વ્યક્તિગત અસ્તિત્વ તરીકે તો આ મહાસાગરમાં ટીપાં સમાન છીએ. જ્યારે એ ટીપું પોતાનું ભ્રમિત વ્યક્તિગત
અસ્તિત્વ નો ત્યાગ કરી આ
મહાસાગરમાં મળી જાશે ત્યારે તે પણ મહાસાગર બની જાય છે. શ્રીકૃષ્ણ એ બાબત તરફનો ઈશારો કરે
છે જ્યારે તેઓ કહે છે કે,
“મારા જન્મ અને કર્મ દિવ્ય
અર્થાત નિર્મળ અને અલૌકિક છે - એમ જે માણસ તત્ત્વથી જાણી લે છે, તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો, પણ મને જ પામે છે” (4.9). ચોક્કસપણે સાક્ષાત્કાર નો અર્થ તો એ જ છે કે અહંકાર
ખરી પડવો અને વિરોધાભાસને સ્વીકારવો.
શ્રીકૃષ્ણ વીતરાગ
શબ્દનો ઉપયોગ કરે છે (4.10), જે નથી રાગ કે નથી વિરાગ, પરંતુ આ એક એવી ત્રીજી
સ્થિતિ છે કે જેમાં રાગ અને વિરાગ બંનેને સમાનતાથી લેવામાં આવે છે. એ જ બાબત ભય અને
ક્રોધને પણ લાગુ પડે છે.
શ્રીકૃષ્ણ એક
બીજા શબ્દનો ઉપયોગ કરે છે જ્ઞાન-તપસ. તપસ એટલે બીજું કંઈ જ નહીં ૫રંતુ અનુશાસિત
રીતે જીવન જીવવું, જેનો આપણામાંના ઘણાં બધા અભ્યાસ કરે જ છે. તપસ અજ્ઞાન વશ થઈને કરવામાં આવે
ત્યારે તે ભૌતિક પદાર્થો અને ઇંદ્રિય સુખો પાછળની એક અનંત દોડ બની જાય છે. આથી
શ્રીકૃષ્ણ આપણને સલાહ આપે છે કે આ૫ણે જાગૃતિ પૂર્વકના અનુશાસિત જીવન માર્ગ એવા
જ્ઞાન-તપસને અનુસરવું જોઈએ.
તેઓ કહે છે કે, “જેમના રાગ, ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચુક્યા હતા તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમભાવે સ્થિત રહેતા હતા, એવા મારે આશ્રયે રહેનારા ઘણાય ભક્તો આ પહેલા પણ
ઉપર કહેલા જ્ઞાનરૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચુક્યા છે” (4.10).

Comments
Post a Comment