75. ધર્મ એક જ છે


 

શ્રીકૃષ્ણ કહે છે કે, "સારી રીતે આચરવામાં આવેલા પરધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ સ્વધર્મ ઘણો ચઢિયાતો છે, સ્વધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, જયારે પરધર્મ તો ભયપ્રદ છે" (3.35). આ શ્લોકની જટિલતા આપણા મનમાં સ્પષ્ટતા કરતાં શંકા વધારે જન્માવે છે.

એક દ્રષ્ટિએ જોવા જતાં આ શ્લોક કુરુક્ષેત્રના યુદ્ધમાં પૂરે પૂરો અર્જુનને જ લાગુ પડે છે. અર્જુન એ યુદ્ધની ક્ષણ સુધી ક્ષત્રિય ધર્મનું પાલન કરતો હતો અને અચાનક જ પછીની ક્ષણે સંત બની જવાની ઇચ્છા રાખે છે. આ પ્રકારનું પરિવર્તન થવાની શક્યતા ખૂબ જ ઓછી છે અને શ્રીકૃષ્ણ આ શ્લોકમાં એ જ કહેવા માંગે છે.

જયારે ધર્મ કે વાસ્તવિકતા એક જ છે ત્યારે આપણે તેને જુદી-જુદી રીતે સમજીએ છીએ જેમ પેલી વાર્તાના પાંચ અંધ વ્યક્તિઓ તેમના સ્પર્શ દ્વારા એક જ હાથી ને જુદી-જુદી રીતે જુએ છે. જો કોઈ વ્યક્તિ તેને હાથીદાંત તરીકે સમજે તો એ તેની વાસ્તવિકતા અથવા તો સ્વધર્મ છે. આ શ્લોક આગળ સૂચવે છે કે જો કોઈ વ્યક્તિ તેને હાથીદાંત તરીકે સમજે છે તેણે તેને પગ અથવા પૂંછડી તરીકે સમજનાર લોકોના સુંદર રીતે પ્રસ્તુત વર્ણનને અપનાવવાનો પ્રયાસ કરવાને બદલે તેના પોતાના જ માર્ગને અનુસરતા રહેવું જોઈએ.

હવે પછીનો પ્રશ્ન એ ઉદ્ભવે કે કોની સમજણ સાચી છે. દરેક જણ પોતપોતાની રીતે સાચા જ છે અને એટલે જ શ્રીકૃષ્ણ સરખામણી કરવાની પ્રેરણા આપતા નથી અને તેઓ કહે છે કે સ્વધર્મ ગુણમાં ઉણો ઉતરતો હોય તો ૫ણ તેનું જ પાલન કરો. 

ધર્મ એ વિદ્યુત પ્રવાહ જેવો છે કે જે આપણા ઘરમાં પ્રવેશીને જુદા-જુદા વિદ્યુત ઉપકરણો ના માધ્યમથી જુદી-જુદી રીતે દ્રશ્યમાન થાય છે. દરેક ઉપકરણની પોતાની પ્રકૃતિ છે અને એક પંખો એ ટીવી બનવાનું સપનું ન જોઈ શકે.

શ્રીકૃષ્ણએ અગાઉ પણ જણાવ્યું જ છે કે દમન પૂર્વક કામ લેવા થી આપણે આધ્યાત્મિક પ્રગતિ ના માર્ગ પર ક્યાંય પહોંચી શકવાના નથી (3.33). અન્યની વાસ્તવિકતા સ્વીકારવી એ પોતાની વાસ્તવિકતાનું દમન કરવા બરાબર છે. દમન પૂર્વક એક વસ્તુ સ્વીકારવાથી આપણે બીજી વસ્તુ ને નકારી દઈએ છીએ ક્યારે ખરી વાસ્તવિકતા તો અંધમાણસો અને હાથીના કિસ્સામાં તમામ વ્યક્તિગત દ્રષ્ટિકોણનો સરવાળો છે. 

Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા