70. સમયને તક આપો
એક ફળ વિકસિત થઇ અને પાકે ત્યાં સુધી જરૂરી પોષણ પોતાના પાલક વૃક્ષમાંથી
મેળવે છે. પરંતુ પાકી ગયા બાદ તે વૃક્ષ થી અળગું થઈને પોતાની
સ્વતંત્ર યાત્રા આરંભે છે. વૃક્ષ થી મુક્ત થવાની આ યાત્રા દરમિયાન ઘણી બધી
પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું હોય છે અને અંતે સ્વયં એક વૃક્ષ બનવાનું હોય છે.
ત્યારે બીજી બાજુએ એક અપરિપક્વ ફળ, તે પાકે નહીં
ત્યાં સુધી તેના પાલક વૃક્ષ સાથે તેને જોડાઇને રહેવું
પડે છે.
એક પાકેલા ફળે કોઈ અપરિપક્વ ફળને વૃક્ષ છોડવા માટે લલચાવવું
જોઈએ નહીં કારણ કે તે હજી સ્વતંત્ર યાત્રા માટે તૈયાર નથી. તે જો જરૂરી પોષણ મેળવવા
માટે પાલક વૃક્ષ પર પૂરતો સમય નહીં ગાળે તો તે નાશ પામશે. તેથી જ શ્રીકૃષ્ણ કહે છે
કે, "પરમાત્માના સ્વરૂપમાં અચળભાવે સ્થિત
થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં
ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે; પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળાં કર્મો સારી
પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે" (3.26) .
આ વાત કૃષ્ણની
એ જ વાત નો વિસ્તાર છે કે જેમાં કૃષ્ણ એવા લોકો વિશે વાત કરે છે કે જેઓ બળપૂર્વક
પોતાની કર્મેન્દ્રિયોને તો નિયંત્રણમાં રાખે છે પરંતુ તેનું મન હજી પણ ઇંદ્રિયોના
વિષયોમાં ભટકે છે (3.6). તેઓ આવા લોકોને દંભી કહે છે કે જેઓ આમ કરીને પોતાની જાતને
જ છેતરી રહ્યા છે અને આ સ્થિતિ કંઈ અજ્ઞાનથી ભિન્ન નથી કે જેમાં અજ્ઞાનીની
ક્રિયાઓને બળપૂર્વક કોઈ જ્ઞાની વ્યક્તિ નિયંત્રણમાં રાખે.
એક જ વર્ગના
વિદ્યાર્થીઓને સમજાવેલ એક સરખો પાઠ તે પોતપોતાની સમજણ અને મનની અવસ્થાઓને આધારે જુદી-જુદી રીતે ગ્રહણ કરે છે. એટલે જ એક
સંન્યાસી કે જેણે જીવનમાં ઇચ્છાથી પ્રેરિત કર્મોની વ્યર્થતાને સમજી લીધી છે, તેણે
કોઈ બ્રહ્મચારીને પારિવારિક જીવન છોડવા માટે પ્રોત્સાહન ન આપવું જોઈએ કારણ કે
બ્રહ્મચારી સ્વયં જ પોતાના કર્મો દ્વારા તેજ વ્યર્થતાને
જાણી શકે છે. આના સિવાય બીજો કોઈ માર્ગ નથી.
અર્જુનને
ગીતાનું જ્ઞાન આપવા માટે શ્રીકૃષ્ણએ પણ તેનામાં કશુંક જાણવાની ભૂખ જાગે ત્યાં સુધી
રાહ જોઈ હતી. ત્યાં સુધી કૃષ્ણએ તેને તેની દુન્યવી ક્રિયાઓ થકી જીવનના
સુખ-દુઃખમાંથી પસાર થવા દીધો હતો અને યોગ્ય તકની રાહ જોઈ હતી. આ રીતે શીખવાનું ત્યારે જ થાય છે કે જ્યારે શીખવાની આંતરિક ભૂખ જાગે પછી તો દ્રશ્યમાન દરેક પદાર્થ અને
જીવનમાં ઊભી થતી દરેક પરિસ્થિતિ આપોઆપ એક ગુરુ બની જાય છે.

Comments
Post a Comment