68. કથની અને કરણીમાં સમાનતા
બાળકો દુનિયાને
સમજવામાં, નવી વસ્તુઓ શીખવામાં, શિષ્ટચાર વર્તણૂંક જેવી અનેક બાબતોમાં પોતાના માતા-પિતાને આદર્શ માને છે અને એટલે જ એવું કહેવાય છે
કે બાળઉછેરનો ઉત્તમ માર્ગ છે કે આપણે પોતાની કથની અને કરણીમાં સમાનતા સાધીને શ્રેષ્ઠ દૃષ્ટાંત પૂરું પાડીએ. આ જ નિર્ભરતા જીવનના પાછળના તબક્કામાં પણ ચાલુ રહે છે. એ નિર્ભરતા મિત્રો, શિક્ષકો કે માર્ગદર્શકો પરની હોઈ શકે. તેનો અર્થ એ થયો કે આપણી આસપાસ એવા લોકો
હોય છે કે જેઓ આપણા પર આધારિત હોય અને આપણું માર્ગદર્શન ઈચ્છતા હોય. આપણે જે કંઈ પણ
કરીએ તેની અસર તેઓ પર પડતી હોય છે. આ સંદર્ભે જ શ્રીકૃષ્ણ કહે છે જે "શ્રેષ્ઠ
પુરુષ જે જે આચરે છે, અન્ય માણસો પણ તેને તેને જ આચરે છે; તે જે કંઈ પ્રમાણ કરી આપે છે, સકળ માનવ-સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે"
(3.21).
શ્રીકૃષ્ણ આગળ
કહે છે કે, "મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય
છે કે ન કશીયે પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે, છતાંય હું કર્મમાં જ વર્તું છું (3.22). જો કદાય
હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય, કારણકે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે (3.23). આથી જો હું
કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય અને હું સંકરપણાનો કરનાર બનું તથા
આ આખી પ્રજાને નષ્ટ કરનારો બનું" (3.24).
અહીં સ્પષ્ટ
પણે શ્રીકૃષ્ણ પરમાત્મા સ્વરૂપે છે અને તેઓ આગળ જતાં પોતાના વિશ્વરૂપનું
દર્શન કરાવે છે. તેઓ સર્જનાત્મક શક્તિ રૂપે રજૂ થાય છે કે જેમાં સર્જન, નિર્વાહ અને વિસર્જન ત્રણેય સમાવિષ્ટ છે. શ્રીકૃષ્ણ અહી જણાવે છે કે જો
સર્જનાત્મકતા કાર્ય કરવાનું છોડી દે તો તેના પરિણામો શું હોઈ શકે છે.
જયારે ખેડુત ઘઉં વાવે છે ત્યારે સર્જનાત્મકતાને
લીધે તેમાં અંકુરણ થાય છે. જો સર્જનાત્મકતા ના રહે તો બીજ નકામું થઈ જાય. અંકુરણ
થયા પછી પણ જો પાક ન ઊગે તો પણ મૂંઝવણ એની એ જ રહે. અને જો પાક વિકસિત થયા પછી તેમાંથી નવા બીજ ઉત્પન્ન ના થાય તો તેની
પેઢી નાશ પામે.
આપણું જીવન
બ્રહ્માંડમાં થતી કેટલી બધી દ્રશ્ય કે અદ્રશ્ય સ્વચાલિત ક્રિયાઓને આભારી છે અને તે
માત્ર ને માત્ર એટલે જ શક્ય બને છે કે સર્જનાત્મકતા સતત કાર્ય કરતી રહે છે.

Comments
Post a Comment