67. ચિંતિત અને નિશ્ચિંત
શ્રીકૃષ્ણ આ૫ણને એ વાતની ખાતરી આપે છે કે આસક્તિ
રહિત થઇ કર્મ કરવાથી આ૫ણે ૫રમ તત્ત્વને પ્રાપ્ત કરીશું (3.19) અને તેઓ રાજા
જનકનું ઉદાહરણ આપે છે કે જેમણે માત્ર કર્મને માર્ગે ચાલીને પૂર્ણતા પ્રાપ્ત કરી
(3.20).
શ્રીકૃષ્ણ એ વાત પર વિશેષ ભાર મૂકે છે કે એક રાજા
કે જે સતત આનંદ પ્રમોદના સાધનો વચ્ચે જીવતો હોય અને તેને અનેક ગણી જવાબદારીઓ પણ હોય તે પણ જો આસક્તિથી રહિત થઇ કર્મ કરે તો
તે પરમ તત્ત્વને પામી શકે છે એ જ રીતે આપણે પણ આપણા સંજોગો ગમે તેવા હોય તો પણ પરમ
તત્ત્વને પામી શકીએ.
ઇતિહાસમાં એવા
ખૂબ જૂજ દાખલાઓ છે કે જેમાં બે બુદ્ધત્વ પ્રાપ્ત વ્યક્તિઓએ પરસ્પર વાર્તાલાપ કર્યો
હોય. એવા વાર્તાલાપો માં નું એક એટલે રાજા જનક અને ઋષિ અષ્ટાવક્ર વચ્ચેનો
વાર્તાલાપ જે અષ્ટાવક્ર ગીતા તરીકે ઓળખાય છે અને
તે સાધકો માટે સર્વશ્રેષ્ઠમાંનું એક ગણાય છે.
એક દંતકથા અનુસાર એક વખત એક ગુરુ પોતાના શિષ્યોમાંના
એકને કે જેની પાસે લંગોટ અને એક ભિક્ષાપાત્ર સિવાય કશું જ ન હતું
અને જે પૂર્ણ સાદગી પૂર્વક રહેતો હતો તેને અંતિમ શિક્ષા માટે રાજા જનક પાસે મોકલે
છે. તે રાજા જનક પાસે આવે છે અને નવાઈ પામે છે કે ગુરુએ તેને આ રાજા પાસે કે જે સર્વ સુખ ઉપભોગ ના સાધનો વચ્ચે
છે અને મહેલમાં રહે છે તેની પાસે શા માટે મોકલ્યો હશે. એક સવારે રાજા જનક તેને
પાસેની નદીમાં સ્નાન કરવા લઈ જાય છે. તેઓ પાણીમાં ડૂબકી લગાવી રહ્યા હોય છે ત્યારે
જ સમાચાર આવે છે કે રાજા નો મહેલ બળી ગયો છે. પેલા શિષ્યને પોતાના લંગોટની ચિંતા થાય છે જ્યારે રાજા જનક જરાપણ વિચલિત થતા
નથી. ત્યારે તેને એ વાત સમજાય છે કે એક લંગોટની આસક્તિ
પણ આસક્તિ જ કહેવાય છે અને તેનો ત્યાગ કરવો જરૂરી છે.
ગીતાનો મૂળ ઉપદેશ
છે અનાસક્ત થઈને કર્મ કરવું. એ એક એવી સ્થિતિ છે કે જેમાં વ્યક્તિ ચિંતિત હોવા છતાંય
નિશ્ચિંત છે. ભૌતિક જગતમાં વ્યક્તિ સંપૂર્ણ રીતે ચિંતિત છે અને દરેક પરિસ્થિતિમાં પોતાનું
શ્રેષ્ઠ કરે છે અને એ જ સમયે તે આંતરિક રીતે તેના પરિણામ બાબતે નિશ્ચિંત છે કેમકે આ
પ્રકારનું કર્મ તેને અસર કરતું નથી. પોતાના પ્રયત્નોનું પરિણામ સાનુકૂળ હોય કે સાવ
વિપરીત પરંતુ બંને પરિસ્થિતિઓમાં તે એ વ્યક્તિ નથી ચિંતિત થતી કે નથી વિચલિત થતી. જીવન
અને કાર્ય વચ્ચે સંતુલન સાધવાની આ જ મહત્વની ચાવી છે.

Comments
Post a Comment