65. નિઃસ્વાર્થ કર્મો સર્વોચ્ચ શક્તિ ધરાવે છે


 

જળ એ પૃથ્વી પરના જીવનને માટે અનિવાર્ય છે અને શ્રીકૃષ્ણ નિસ્વાર્થ કર્મોને સમજાવવા માટે વરસાદનું ઉદાહરણ આપે છે (3.14). મૂળભૂત રીતે, વરસાદ એ જળચક્રનો એવો ભાગ છે કે જેમાં ગરમીને લીધે પાણી બાષ્પીભવન પામે છે અને તેનાથી વાદળાં બંધાય છે. અને જ્યારે યોગ્ય પરિસ્થિતિ નિર્માણ પામે છે ત્યારે તે વરસાદ રૂપે ફરી પૃથ્વી પર આવે છે.

આ પ્રક્રિયામાં બધી જ ક્રિયાઓ નિસ્વાર્થ થાય છે અને શ્રીકૃષ્ણ તેમને 'યજ્ઞકાર્ય' કહે છે. સમુદ્ર પોતાના પાણીનું બાષ્પીભવન થવા દે છે કે જેથી વાદળાં બંધાય અને વાદળાં પોતાના અસ્તિત્વનું બલિદાન આપીને વરસાદમાં પરિણમે છે. આ બંને ક્રિયાઓ યજ્ઞરૂપી નિસ્વાર્થ ક્રિયાઓ છે.

શ્રીકૃષ્ણ એ બાબત સમજાવે છે કે યજ્ઞરૂપી આ નિસ્વાર્થ ક્રિયા સર્વોચ્ચ વાસ્તવિકતા કે સર્વોચ્ચ શક્તિ ધરાવે છે (3.15). શરૂઆતમાં આ જ શક્તિનો ઉપયોગ કરીને રચનાકારે આ રચના કરી (3.10)  અને દરેકને એમ સૂચવ્યું કે આનો જ ઉપયોગ દરેક આગળ વધવા માટે કરે (3.11). આમ આ જ બાબતને આપણે અનુસરીએ તો આપણે પરમ વાસ્તવિકતા સાથે આપણી જાતને જોડીએ છીએ અને યજ્ઞરૂપી નિસ્વાર્થ કાર્યથી તેની જ શક્તિનો ઉપયોગ કરીએ છીએ.

વરસાદની એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયામાં જો વાદળ ઘમંડી બને અને પાણીનો સંગ્રહ કરે તો આ જળચક્ર નાશ પામે. શ્રીકૃષ્ણ આ પ્રકારના સંગ્રહખોરો કે જે કુદરતના ચક્રોને હાનિ પહોંચાડે છે તેને ચોર કહે છે (3.12). બીજી બાજુ વાદળો વરસાદની નિસ્વાર્થ ક્રિયા કરતાં-કરતાં પણ સતત બનતા જ રહે છે.  શ્રીકૃષ્ણ, આ ચક્રમાં ભાગ લઈને એકબીજાને મદદરૂપ થાય છે તેની માટે ‘દેવ’ શબ્દ પ્રયોજે છે (3.11).

આ પ્રકારની નિસ્વાર્થ ક્રિયાઓ બદલામાં ઘણું બધું આપે છે જેમ સમુદ્રને વરસાદ રૂપે પોતાનું જળ પરત મળી જ જાય છે. આથી સંગ્રહ કરવાને બદલે વ્યક્તિએ આ ચક્રમાં સહભાગી થવું જોઇએ અને એમ કરવાથી આપણે સર્વ પાપોથી મુક્ત થશું (3.13) - આમાં સંગ્રહખોરી એ જ મૂળભૂત પાપ ગણી શકાય.

શ્રીકૃષ્ણ આપણને ચેતવે છે કે સ્વાર્થ થી કરેલા કર્મો આપણને કર્મબંધનમાં બાંધે છે અને એટલે તેઓ આપણને યજ્ઞકાર્ય ની જેમ અનાસક્ત થઈને કર્મ કરવાની સલાહ આપે છે (3.9).

આ સમસ્ત વિશ્વનો આધાર એકબીજાના અસ્તિત્વ પર, પારસ્પરિક જોડાણ પર અને પરસ્પરાવલંબન પર છે જ્યાં દરેક સર્જન એક યા બીજા ચક્રનો ભાગ છે જે અન્ય કોઈ વસ્તુ કે વ્યક્તિ પર આધારિત છે. તેને એ રીતે સમજી શકાય કે આપણો અમુક ભાગ અન્યમાં અસ્તિત્વ ધરાવે છે અને અન્યનો અમુક ભાગ આપણામાં અસ્તિત્વ ધરાવે છે.

Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા