60. વિષાદથી બુદ્ધત્વ સુધી
શ્રીકૃષ્ણ કહે
છે કે, "જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર, અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓનાં પાણી
તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પ્રમાણે સર્વ
ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય
છે, તે જ પુરુષ પરમ શાંતિ પામે છે, ભોગોને ઇચ્છનારો નહીં (2.70). તેઓ આગળ કહે છે "જે પુરુષ સઘળી કામનાઓ છોડીને
મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને
વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત તે શાંતિને પામેલો છે (2.71). આ
બ્રહ્મનેપામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે; આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી
સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે" (2.72).
આ શાશ્વત સ્થિતિ
(મોક્ષ-૫રમમુક્તિ, આનંદ અને કરૂણા) માટે શ્રીકૃષ્ણ સમુદ્રનુ ઉદાહરણ આપે છે, જેમાં સમુદ્રમાં પાણી
લાવતી નદીઓ એ આપણા ઇંદ્રિયો દ્વારા સતત અનુભવાતી ઉત્તેજનાઓ છે. જે વ્યક્તિએ આ શાશ્વત
સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે તે તૃષ્ણાઓ કે ઇચ્છાઓ જાગતી હોવા છતાં પણ એક સમુદ્રની જેમ
સ્થિર અને અવિચલિત રહે છે. બીજી વાત એ કે જ્યારે નદીઓ સમુદ્રમાં મળે છે ત્યારે તે પોતાનું
અસ્તિત્વ ગુમાવી બેસે છે. એ જ રીતે શાશ્વત સ્થિતિને પ્રાપ્ત વ્યક્તિમાં જ્યારે કોઈ
ઇચ્છાઓ પ્રવેશે છે ત્યારે તે પણ પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છે.
ત્રીજી બાબત એ કે
જો કોઈ વસ્તુ આપણને દુઃખી કરતી હોય તો તે આપણી પ્રતિક્રિયાઓ છે જે બહારના જગતમાંથી
આવતી ઉત્તેજનાઓ અને તેને અંકુશમાં રાખવાની આપણી અક્ષમતા માંથી જન્મે છે. તેથી અહીં સૂચન એ છે કે આપણે પણ સમુદ્રની જેમ આ પ્રકારની ક્ષણિક ઉત્તેજનાઓ ને
અવગણતાં શીખી લેવું જોઇએ (2.14).
આપણી સમજ પ્રમાણે
દરેક કર્મ ને કર્તા હોય છે અને તેનું કર્મફળ હોય છે. અગાઉ શ્રીકૃષ્ણએ આપણને કર્મ અને
કર્મફળને અળગા કરવાનો માર્ગ આપેલો જ છે (2.47). હવે તેઓ આપણને સૂચવે છે કે આપણે 'હું' પણું અને અહંકાર એટલે કે કર્તા ભાવ છોડી દેવો
જોઈએ કે જેથી કર્તા અને કર્મ જુદા પડી જાય. એકવાર જ્યારે આ શાશ્વત શાંતિની સ્થિતિ પ્રાપ્ત
કરી લીધી હોય પછી ત્યાંથી પાછા વળવાનું હોતું નથી અને ત્યાર બાદ આ૫ણું કોઈ ૫ણ કર્મ
આ સદા પ્રવૃત્તિશીલ એવા બ્રહ્માંડની અબજો ક્રિયાઓમાંની એક ક્રિયા બનીને રહી જાય છે.
ગીતામાં શાશ્વત સ્થિતિ વિષાદ (નિરાશા) બાદ સાંખ્ય (જાગૃતિ) દ્વારા આવે છે કારણ કે નિયમ એ જ છે કે, ચરમ કક્ષાની પીડા ને જયારે સકારાત્મકતાથી ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તેનામાં મોક્ષ પ્રાપ્ત કરવાની ક્ષમતા રહેલી છે, જેમ શ્રીકૃષ્ણએ અર્જુન સાથે કર્યું તેમ.

Comments
Post a Comment