59. ભૌતિક જાગૃતિ અને આધ્યાત્મિક નિંદ્રા
શ્રીકૃષ્ણ કહે
છે કે, "સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે, તે નિત્ય જ્ઞાનસ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં
સ્થિતપ્રજ્ઞ યોગી જાગે છે,
અને જે નાશવંત સાંસારિક
સુખની પ્રાપ્તિમાં સઘળાં પ્રાણીઓ જાગે છે, પરમાત્માના તત્ત્વને જાણનાર મુનિ માટે તે રાત્રી સમાન છે" (2.69). આ શ્લોકમાં રૂપક પ્રયોજીને "ભૌતિક
રીતે જાગૃત પરંતુ આધ્યાત્મિક રીતે સુષુપ્ત" કે તેનાથી વિપરીત દશા વિશે કહેવાયું
છે. તે શાબ્દિક રીતે પણ સમજી શકાય છે.
જીવવાની બે શક્યતાઓ રહેલી છે, એક કે જેમાં આપણે સુખ માટે આપણી ઇંદ્રિયો પર નિર્ભર હોઇએ અને બીજી કે જેમાં
આપણે આપણી ઇંદ્રિયોથી મુક્ત
થઈએ અને તેને આપણા નિયંત્રણમાં રાખીએ. જે લોકો પહેલી શ્રેણીમાં આવે છે તેના માટે જીવનને
બીજી રીતે જીવવું એ અજુગતું છે અને શ્લોક માં જે રાત્રિ શબ્દ પ્રયોજ્યો છે એ આજ અજ્ઞાન
સૂચવે છે.
બીજું એ કે જ્યારે
આપણે આપણા ઇંદ્રિયના કોઈ એક અંગનો ઉપયોગ કરતા હોઇએ છીએ ત્યારે આ૫ણું ધ્યાન ક્યાંક બીજે
હોય છે અને એટલે જ એ સમજી શકાય છે કે તેનો ઉપયોગ યાંત્રિક રીતે થઈ રહ્યો છે, અને જાગૃતિ પૂર્વક નહીં. ઉદાહરણ તરીકે જ્યારે આપણે
ભોજન લેતા હોઇએ છે ત્યારે આપણું ધ્યાન કોઈ સ્ક્રીન પર, છાપાંના કોઈ સમાચાર પર અથવા તો ફોન પર થયેલી વાતચીત ઉપર હોય છે અને આને આ૫ણે
મલ્ટિટાસ્કિંગ, એટલે કે બહુવિધ કામ એક સાથે કરવા, કહીએ છીએ. અને એટલે જ તો કહેવાય છે કે આધ્યાત્મિકતા
એટલી સરળ છે કે તેમાં માત્ર ભોજન લેતી વખતે માત્ર ભોજન લેવું અને પ્રાર્થના કરતી વખતે
માત્ર પ્રાર્થના કરવી એટલું જ હોય છે. આ શ્લોકમાં એ જ વાત કહેલી છે કે આ બાબત જે વર્તમાનમાં
સ્થિત છે એને માટે દિવસ છે અને બીજાઓને માટે રાત્રી.
આનું ત્રીજું અર્થઘટન
શાબ્દિક પણ લઈ શકાય. આપણે જ્યારે સુતા હોઇએ છે ત્યારે આપણો એક ભાગ જાગૃત હોય છે જે
રીતે માતાની બાજુમાં સૂતેલાં શિશુ માટે તેની માતા નિંદ્રાધીન હોવા છતાં પણ જાગૃત હોય છે. જેમ કોઇ સામૂહિક શયનખંડમાં જ્યારે કોઇ સૂતેલી
વ્યક્તિનું નામ બોલાય ત્યારે તે વ્યક્તિ સહજ ઊભી થઈ જાય છે. આના દ્વારા એમ સમજી શકાય
કે આ૫ણા સૌમાં એક ભાગ એવો છે કે જેને સતત જાગૃત રાખી શકાય.
આ શ્લોક જણાવે છે કે આપણે આપણા એ ભાગને એટલો વિકસિત કરવો જોઈએ કે જે સતત આપણી ક્રિયાઓ પ્રત્યે જાગૃત હોય અને તે એટલી હદે હોય કે વ્યક્તિ જ્યારે સૂતી હોય ત્યારે પણ તે પોતાની ઊંઘની ૫ણ સાક્ષી હોય.

Comments
Post a Comment