57. મધ્યમાં સ્થિત

 

શ્રીકૃષ્ણ કહે છે કે અયુક્ત (અસંતુલિત) માં બુદ્ધિ અને ભાવ બંનેનો અભાવ હોય છે તેને કદી શાંતિ પ્રાપ્ત નથી થતી અને અશાંતને કદી સુખ પ્રાપ્ત થતું નથી (2.66). શ્રીકૃષ્ણ સમત્વ પર ભાર મૂકે છે (2.38 અને 2.48) અને આ શ્લોક પણ એ જ બાબત એક જુદા દ્રષ્ટિકોણથી દર્શાવે છે.

જ્યાં સુધી કોઈ વ્યક્તિ મધ્યમાં કેન્દ્રિત થતી નથી ત્યાં સુધી તે કોઈ બીજા જ કેન્દ્રો જેવા કે મિત્રો, શત્રુ, પોતાનું કામ, પોતાના પતિ કે પત્ની, બાળકો, પૈસા, સુખ, ઉપભોગ, સત્તા કે માલિકી ભાવ વગેરેમાં ફસાઈ જાય છે અને આ રીતે કોઈ અન્ય કેન્દ્રોમાં રમમાણ રહેવું એ અયુક્ત ની નિશાની છે.

જ્યારે કોઈ વ્યક્તિ માત્ર ધન કેન્દ્રી બને છે ત્યારે તેના સઘળા આયોજનો તથા તેની ક્રિયાઓ બધું જ માત્ર ધન વૃદ્ધિની આસપાસ જ ફર્યા કરે છે અને તેના માટે બીજી બધી જ બાબતો જેમકે સંબંધો, સ્વાસ્થ્ય વગેરે સૌનો ભોગ લેવાય છે. તેવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ ઉપભોગ કેન્દ્રી હોય ત્યારે તે એ સુખ મેળવવા માટે કોઈને છેતરવું, દગો દેવો કે બીજું કંઈ પણ કરવાથી ખચકાટ અનુભવતી નથી. તેવી જ રીતે જીવનસાથી કેન્દ્રિત વ્યક્તિ આખા જગત નું મૂલ્યાંકન માત્ર તેમના જીવનસાથી સાથે કેવો વ્યવહાર થાય છે એને આધારે જ કરે છે. તો દુશ્મન કેન્દ્રી વ્યક્તિ સતત પોતાના દુશ્મનોને કેમ હાનિ પહોંચાડવી તે બાબતે વિચાર્યા કરે છે ૫છી ભલે એમ કરવામાં તેને પોતાને જ કેમ નુકસાન ન થતું હોય.

જ્યારે આપણે બીજા લોકો સાથે બંધાઈ જઈએ છીએ ત્યારે આપણી શાંતિ અને સમતા તેઓના હાથમાં ચાલી જાય છે અને આપણે તેના પર આધારિત થઈ જઈએ છીએ. તેથી જ શ્રીકૃષ્ણ આપણને સમત્વ માં એટલે કે મધ્યમાં કેન્દ્રિત થવાનું કહે જે આપણને પરમ મુક્તિ (મોક્ષ) અપાવે છે.

શ્રીકૃષ્ણ અહીં 'ભાવ' શબ્દનો પ્રયોગ કરે છે આપણે તેને લાગણીઓ એવું કહી શકીએ. કોઈપણ વ્યક્તિ કે વસ્તુ જ્યારે 'હું' થી બંધાઈ જાય છે તો જ તે આપણામાં ઊંડી લાગણી જન્માવે છે નહીંતર તે આપણા હૃદયને સ્પર્શતું પણ નથી. આનો અર્થ એ થાય છે કે આપણી બધી જ લાગણીઓ વ્યક્તિ લક્ષી છે પરંતુ શ્રીકૃષ્ણ અહીં ભાવની વાત કરે છે એ ભાવ સમત્વ માંથી ઉદ્દભવે છે અને એ બધી બાબતોમાં સમાન હોય છે પછી એમાં 'હું' સામેલ હોય કે નહીં.

આસપાસનું વાતાવરણ અણગમાયુક્ત હોય, અસ્તવ્યસ્ત કે અવ્યવસ્થિત હોય પરંતુ તે એવી વ્યક્તિ પર અસર કર્તા નથી હોતું જેને કેન્દ્રમાં રહીને આંતરિક સંવાદિતા સાધી લીધી હોય અને શ્રીકૃષ્ણ આ જ બાબતને શાંતિ પ્રાપ્ત કરવી કહે છે જે અંતે આપણાં જીવનમાં આનંદ લાવે છે.

Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા