56. આધ્યાત્મિકતામાં કારણ અને પ્રભાવ
શ્રીકૃષ્ણ કહે
છે કે, "અંતઃકરણ પ્રસન્ન થતાં આનાં સર્વ દુઃખોનો
અભાવ થઈ જાય છે અને એ પ્રસન્ન-ચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર
થઈને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે" (2.65). આ આપણી સામાન્ય સમજ
કરતા ઊલટું લાગે છે કારણ કે આપણે ત્યારે જ સંતુષ્ટ થઈએ છીએ જ્યારે આપણી ઇચ્છાઓ પૂરી
થાય અને તેને આપણે સુખની પ્રાપ્તિ અને દુઃખનો (જે મહદંશે આ૫ણું સ્વસર્જિત હોય છે)
નાશ કહીએ છીએ. પરંતુ શ્રીકૃષ્ણ
આપણને પહેલા સંતુષ્ટ થવા માટે કહે છે, બાકીનું બધુ આપોઆપ તેની સાથે થઈ જશે.
ઉદાહરણ તરીકે
આપણી સમજ પ્રમાણે જો આપણી અંદર તાવ કે શરીરના દુખાવાના કોઈ લક્ષણો હોય તો આપણે સ્વસ્થ
નથી. હવે જો માત્ર આ લક્ષણોને દબાવી દેવામાં આવે તો તેનાથી આપણે સ્વસ્થ થઇ જતા નથી
તેના માટે આપણે તેની પાછળ રહેલા કારણને ઠીક કરવું પડે છે. તો બીજી બાજુ આરોગ્યપ્રદ
આહાર, સારી નિદ્રા, નિયમિત કસરતો વગેરે આપણને સારું સ્વાસ્થ્ય આપે છે.
એ જ રીતે ભય,
ક્રોધ અને દ્વેષ એ દુઃખ ના જ ભાગ છે જે એમ દર્શાવે છે કે આપણી અંદર સંતોષ નથી પરંતુ
જો હવે આપણે દુઃખના આ સંકેતોને બળ પૂર્વક દબાવી દઈએ તો તે આપણને સંતુષ્ટ કરી શકતા નથી.
આ સંકેતોને દબાવી
નાખવા અને સમાજમાં તેને સ્વીકૃત કરવા માટે ઘણા લોકો તાત્કાલીક ઉપાયો શીખવે અને અ૫નાવે
છે. પરંતુ આ રીતે દબાવી રાખેલ લાગણીઓ ભવિષ્યમાં વધારે બળ પૂર્વક વ્યક્ત થાય છે. દાખલા
તરીકે ઉપરી અધિકારી સામે દબાવી રાખેલ ગુસ્સો આપણાથી નીચલા વર્ગના કર્મચારીઓ કે આપણા
પરિવારના લોકો પર નીકળે છે.
સંતુષ્ટિ ના માર્ગ
પર ચાલનાર વ્યક્તિ આ જગતના દ્વંદ્વાત્મક સ્વભાવ પ્રત્યે જાગૃત હોય છે,
સાથે-સાથે કર્મફળની આશા
વગર કર્મ કરવા પ્રત્યે પણ જાગૃત હોય છે અને તે એ બાબતે પણ જાગૃત રહે છે કે તે કર્તા
નથી પરંતુ ક્રિયાઓ, વિચારો અને લાગણીઓનો માત્ર સાક્ષી છે.
આપણો અવ્યક્ત
ભાગ કે જે આત્મા કે દેહી છે તે તો સદાય સંતુષ્ટ છે તેને માટે દુઃખો એ નાનીસૂની વિકૃતિઓ
છે. કે જે વ્યક્ત સાથે ખોટી ઓળખ ને લીધે ઉદ્દભવે છે અને તે સર્પ-રજ્જુ સાદૃશ્ય ભ્રમણા
ઉત્પન્ન કરતા સાપ સમાન છે.
શ્રીકૃષ્ણ બીજી એક જગ્યાએ પણ આપણને આત્મવાન (સ્વમાં સંતુષ્ટ) અને આત્મરમણ (સ્વમાં એકરૂ૫) બનવા માટે કહે છે અને જે આપણને દુઃખથી મુક્ત કરે છે (2.45). આમાં નથી દુઃખને દબાવવાની વાત કે નથી તેને વ્યક્ત કરવાની વાત આમાં તો માત્ર તેના સાક્ષી બનીને તેનાથી પર થવાનું છે.

Comments
Post a Comment