53. ઇંદ્રિય વિષયોની લાલસાનો ત્યાગ


 શ્રી કૃષ્ણ કહે છે, "જે વ્યક્તિ ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ કરતો નથી તેની પાસેથી ઇન્દ્રિય વસ્તુઓ દૂર થઈ જાય છે, પરંતુ રસ (લાલસા) જતી નથી અને લાલસા ત્યારેજ સમાપ્ત થાય છે જયારે વ્યક્તિ પરમને પ્રાપ્ત કરે છે" (2.59). ઇંદ્રિયોને એક ભૌતિક અંગ હોય છે એક નિયંત્રક હોય છે. આપણું મન ઇંદ્રિયોના આ બધા જ નિયંત્રકોનું સંયોજન છે. શ્રીકૃષ્ણ કહે છે કે આપણે એ નિયંત્રક પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે લાલસાને ટકાવી રાખે છે.

શ્રીકૃષ્ણ અહીં રસ શબ્દનો પ્રયોગ કરે છે. જ્યારે એક પાકું ફળ કાપવામાં આવે છે ત્યારે જ્યાં સુધી તેને નિચોવાતું નથી ત્યાં સુધી તેમાં રહેલો રસ પણ દેખાતો નથી. એ જ વાત દૂધ માં પડેલા માખણ ને લાગુ પડે છે. રસ એ એવી આંતરિક લાલસા છે કે જે ઇંદ્રિયોમાં પડેલી હોય છે.

અજ્ઞાનની કક્ષાએ ઇંદ્રિયો સતત તેના વિષયોમાં આસક્ત રહે છે તથા સુખ અને દુઃખ વચ્ચે સતત આંદોલિત થતી રહે છે. તેના પછીના ચરણ પર બહારના સંજોગો જેમ કે પૈસા ન હોવા કે ડોક્ટરની સલાહ ને કારણે મીઠાઈ જેવી ઇન્દ્રિય વસ્તુવો છોડી દેવામાં આવે છે પરંતુ તેના તરફ ની ઇચ્છા કે આસક્તિ તો રહે જ છે. આ બહારના સંજોગો અનેક હોઈ શકે જેમ કે નૈતિકતા, ભગવાન, કાયદો કે પ્રતિષ્ઠાનો ડર, વૃદ્ધત્વ વગેરે. ત્યારે શ્રીકૃષ્ણ આપણને એક અંતિમ તબક્કાની વાત કરે છે કે જ્યાં લાલસા જ રહેતી નથી.   

શ્રીમદ્ ભાગવત (11:20:21) માં આ બાબતે શ્રીકૃષ્ણ એક વ્યવહારિક સલાહ આપે છે કે જ્યાં તેઓ ઇંદ્રિયોને જંગલી ઘોડા સાથે સરખાવે છે કે જેને નિયંત્રણમાં લેવા માટે તેને તાલીમ આપનારે થોડોક સમય તો તેની સાથે-સાથે દોડતા રહેવું પડે છે. જ્યારે તે તેને સંપૂર્ણપણે સમજી લે છે ત્યારે તે પોતાની ઇચ્છા મુજબ તેના પર સવારી કરી શકે છે.

અહીં બે બાબતો નોંધવા જેવી છે જેમાં એક તો એ કે તેને તાલીમ આપનાર આ ઘોડા પર એક જ વખતમાં નિયંત્રણ લાવી શકતો નથી. એ જ રીતે આપણે પણ ઇંદ્રિયોને આપણી જરૂર મુજબ ગમે ત્યારે કાબૂ મેળવી શકતા નથી જ્યાં સુધી આપણે તેને સમજી ન લઇએ અને ધીમે-ધીમે તેના પર અંકુશ ન મેળવી લઈએ. બીજી વાત એ કે જયારે આપણે ઈંદ્રિયોની અસર હેઠળ હોઈએ ત્યારે પણ સતત જાગૃતિ રાખવાની છે કે આ૫ણે આ ઇંદ્રિયો પર નિયંત્રણ મેળવવાનું છે.

જાગૃતિ અને લાલસા બંને એકી સાથે અસ્તિત્વ ન ધરાવી શકે. આપણે જાણી જોઈને કદી આ લાલસાની અંકુશમાં ન આવી શકીએ કારણ કે એ તો માત્ર અજ્ઞાનતામાં જ સંભવ બને છે. 

Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા