46. શું આ૫ણું છે અને શું નથી

 

શ્રીકૃષ્ણ કહે છે, "જયારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને સારી રીતે ઓળંગી જશે, તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય (નિર્વેદં) પામીશ" (2.52). આનો અર્થ એ થાય છે કે આપણે જ્યારે મોહ પર વિજય મેળવી લઈએ છે ત્યારે આપણી ઇંદ્રિયોમાંથી આવતા સ્પંદનો આપણા પર અસર કરી શકતા નથી. અહીં શ્રીકૃષ્ણ સાંભળવું ને એક રૂપક તરીકે પ્રયોજે છે કારણ કે આપણે સામાન્ય રીતે અવારનવાર અન્ય લોકો દ્વારા બોલાયેલા શબ્દો પછી તે પ્રશંસા હોય કે નિંદા, ગપશપ હોય કે અફવા તેનાથી પ્રભાવિત થઈ જઈએ છીએ.

યોગ્ય શબ્દોના અભાવ ને લીધે અહંકાર ની જેમ મોહનું વર્ણન કરવું મુશ્કેલ છે. મૂળ તો તે શું આપણું છે અને શું આપણું નથી એ બે બાબતો વચ્ચેનો ભેદ પારખવાની અક્ષમતા છે. એ વર્તમાન અને ભવિષ્યના ભૌતિક પદાર્થો કે લાગણીઓ ૫રનો માલિકી ભાવ છે. જ્યારે આપણે જે આપણું નથી તેને વળગી રહીએ છીએ ત્યારે જે ખરેખર આપણું છે – એ ‘દેહી કે આત્મા’ વિશે આપણને કશી ખબર જ પડતી નથી. આ સ્થિતિને શ્રીકૃષ્ણકલિલમ્’ એટલે કે આધ્યાત્મિક અંધકાર કહે છે.

શ્રીકૃષ્ણ આગળ કહે છે કે જ્યારે આપણે આ અંધકાર પર નિયંત્રણ મેળવી લઇએ છીએ ત્યારે આપણે નિર્વેદં ની સ્થિતિ પ્રાપ્ત કરીએ છીએ. નિર્વેદં નો અર્થ ઉદાસીનતા થતો હોવા છતાં પણ તે અજ્ઞાનતામાંથી ઉત્પન્ન થયેલી નિષ્ક્રિયતા કે નકારાત્મકતા નથી. આ એક એવી ઉદાસીનતા છે કે જે જાગૃતિ,  જીવંતતા અને વર્તમાન માંથી ઉદ્ભવે છે. એ રાગ કે દ્વેષ બંને થી પરની સ્થિતિ છે. એ કર્મમય રહીને ૫રિસ્થિતિનો કરેલો સ્વીકાર છે જેમાં કોઇ તોલમા૫ કે વિભાજન હોતું નથી.

જ્યારે આ૫ણું જીવન ૫રકેન્દ્રી હોય છે ત્યારે આ૫ણને આ૫ણા ઉ૫યોગના સાધનો, ક્ષમતાઓ, સિદ્ધિઓ, આ૫ણું વર્તન, આ૫ણો દેખાવ વગેરે વિશે આ૫ણી સ્વીકૃતિ, પ્રશંસા કે વખાણની સતત ભૂખ રહેતી હોય છે. આ બધી જ બાબતો ના મોહ પર જાગૃતિ પૂર્વક જ્યાં સુધી આપણે નિયંત્રણ નથી કેળવી લેતા ત્યાં સુધી જીવનભર આવી પ્રશંસા સભર સંવેદનાઓ મેળવવા પાછળ સખત મહેનત કરતા રહીએ છીએ.

એકવાર જ્યારે આપણે સંતુલિત અને નિશ્ચયાત્મક બુદ્ધિ દ્વારા આ મોહ રૂપી અંધકારને હરી લઈએ ત્યાર બાદ વર્તમાન કે ભવિષ્યને લગતી આવી કોઈ જ સંવેદનાત્મક ધારણાઓ આપણને અસર કરતી નથી.  


Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા