45. જન્મ અને મૃત્યુના ભ્રમિત બંધનો


 

શ્રીકૃષ્ણ કહે છે, "સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઇ નિર્વિકાર પરમ પદને પામે છે" (2.51).

ઘણા સમય સુધી સમસ્ત મનુષ્ય જાતિ એમ જ માનતી હતી કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય તેની આસપાસ ફરે છે અને પછીથી એ જાણવા મળ્યું કે વાસ્તવમાં તો પૃથ્વી જ સૂર્યની આસપાસ ફરે છે. અંતે આપણી સમજણ અસ્તિત્વના સત્યને ગ્રહણ કરી શકી અને આપણને સમજાય કે આપણી સત્ય વિશેની આ ગેરસમજણ આપણી ઇંદ્રિયજન્ય મર્યાદાઓ માંથી ઉદ્ભવેલી ભ્રમણાઓ ને લીધે હતી. જન્મ અને મૃત્યુ વિશે પણ આપણે કંઈક આવી જ ભ્રમણામાં છીએ.

શ્રીકૃષ્ણ ગીતાની શરૂઆતમાં જ દેહી એટલે કે આત્મા બાબતે સમજાવે છે કે જે સર્વવ્યાપક, અજન્મા, શાશ્વત, નિત્ય અને પુરાતન છે (2.20). તેઓ આગળ કહે છે કે જે રીતે આપણે જીર્ણ વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ એ જ રીતે આત્મા ભૌતિક શરીર બદલે છે (2.22). તેથી જ્યારે તેઓ એમ કહે છે કે સમત્વ બુદ્ધિ યુક્ત વ્યક્તિ જન્મનાં બંધનોથી મુક્ત થાય છે ત્યારે તેનો અર્થ એ થયો કે એ વ્યક્તિએ દેહી કે આત્મા વિશેના અસ્તિત્વના સત્યની સાથે હવે પોતાની જાતને એકરૂપ કરી દીધી છે. આ એના જેવું જ છે કે જે રીતે આપણે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે એ ભ્રમણામાંથી બહાર આવીને અસ્તિત્વના એ સત્યને સ્વીકારીએ છીએ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.

આપણે સામાન્ય રીતે મોટાભાગના લોકોના અભિપ્રાય પ્રમાણે આપણી ઓળખ બનાવતા હોઇએ છીએ, પરંતુ દેહી કે આત્માના આ અસ્તિત્વના સત્યને બાબતે આપણને આવા લોકો (કે જેઓ એમ માને છે કે આપણને જન્મ અને મૃત્યુ છે) આપણને એ માર્ગદર્શન આપી શકતી નથી જે માત્ર પોતાની સંતુલિત બુદ્ધિ જ આપી શકે છે.

શ્રીકૃષ્ણ દ્વંદ્વોની પેલે પારની સ્થિતિની પણ વાત કરે છે. સામાન્ય રીતે આને સ્વર્ગ અથવા તો પરમપથમ્ એટલે કે સર્વોચ્ચ પથ કહેવાય છે જે ક્યાંક બહાર છે એવું માનવામાં આવે છે. વાસ્તવમાં આ શ્લોક આપણને જણાવે છે કે આ પથ આપણી ભીતર જ છે. અને આ પથ એ બીજું કંઈ નહીં પરંતુ કર્મ કે ક્રિયાઓનો ત્યાગ કર્યા વગર કર્મફળનો ત્યાગ કરવો એ છે (2.47).

 

Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા