44. સંતુલિત નિર્ણય પ્રક્રિયા


 આપણે આપણા પોતાના માટે, આપણા પરિવારને માટે કે સમાજને માટે વિવિધ પરિબળોને આધારે અનેક નિર્ણયો લેતા હોઇએ છીએ. જ્યારે શ્રીકૃષ્ણ આપણને કહે છે કેયોગ: કર્મસુ કૌશલમ’ અર્થાત્ દરેક કર્મ/ક્રિયા સમત્વના યોગમાં સુમેળભરી છે (2.50) ત્યારે તેઓ આપણી નિર્ણય પ્રક્રિયાને એક જુદા જ સ્તર પર લઇ જવાનો ઉપદેશ આપે છે. જેમ એક પુષ્પમાંથી સૌંદર્ય અને સુવાસ સહજ રીતે પ્રસરે છે એ જ રીતે કર્તાપણું અને અહંકાર ત્યજી દેવાથી આપણામાં સંવાદિતા સહજ ઉદ્ભવે છે.

એક કર્તા તરીકે આપણા દરેક નિર્ણયો પોતાના કે પોતાના પરિવાર માટે સુખ પ્રાપ્ત કરવા અને દુઃખને ટાળવા માટે ના જ હોય છે. જ્યારે આપણે આપણી જીવનયાત્રાને એક જુદી જ કક્ષાએ લઈ જવી હોય ત્યારે અને ખાસ કરીને આપણે જ્યારે કોઈ સંસ્થા કે સમાજ માટે પણ જવાબદાર હોઇએ ત્યારે ત્યાં આપણે કર્તા હોવા છતાં પણ આપણા નિર્ણયો સંતુલિત હોવા જોઈએ.

અહીં શ્રીકૃષ્ણ એ ચરમ કક્ષાની વાત કરે છે કે જ્યાં કર્તાપણ નો જ ત્યાગ કરી દેવાયો હોય અને ત્યારે આ પ્રકારના વ્યક્તિમાંથી જે કંઈ પણ પ્રાપ્ત થાય તે સંવાદિતા યુક્ત જ હોય. આ પ્રકારના લોકોને માટે સર્વત્ર વ્યાપ્ત એવું ચૈતન્ય તત્ત્વ સ્વયં જ કર્તા બની જતું હોય છે.

નિર્ણયકર્તાઓ માટે તેમની યાત્રામાં આ તબક્કો એટલો મહત્વનો હોય છે કે ભારતીય વહીવટી સેવા (IAS) યોગઃ કર્મસુ કૌશલમને જ પોતાના ધ્યેય વાક્ય તરીકે સ્વીકાર્યું છે.

આમાં આપણી લાગણીઓ, પૂર્વગ્રહો કે સ્મૃતિઓથી જરા પણ એક રૂપ થયા વગર નિર્ણયો લેવાના હોય છે કારણ કે આ બાબતો જ આપણી તથ્યો અને ૫રિણામોને સમજવાની ક્ષમતાને ક્ષીણ કરી નાખે છે. આમાં માનવ ક્રિયા-પ્રતિક્રિયાઓમાંથી જ્યારે કોઈ ચરમબિંદુઓના દ્વંદ્વ ઉદ્ભવે ત્યારે તરત જ તેમાંથી સ્થિર થઈને ફરી મધ્યમાં આવી જવાનું હોય છે.

કાયદાનો અમલ કરવો કે કોઇ ૫ણ નિર્ણય પ્રક્રિયા કરવી એ હંમેશા સુખદ નથી હોતું. આવા સમયે જો આપણે મધ્યમાં સ્થિત હોતો આપણે પ્રશંસા કે નિંદાને સમાન ભાવે સ્થિતપ્રજ્ઞતાથી ગ્રહણ કરી શકીએ છીએ.

જે લોકો દ્રઢતાથી મધ્યમાં સ્થિત છે તેઓને માટે અસીમ બુદ્ધિ, શક્તિ અને કરુણા વ્યાપ્ત રહે છે. જે લોકો આ પ્રકારના અખૂટ સ્ત્રોતના અધિકારી બને છે તેઓ આ ભૌતિક કે વ્યક્ત જગતના દ્રષ્ટિકોણથી પણ અન્ય લોકો કરતાં અનેક ઘણું ઉત્તમ કાર્ય કરી શકે છે. પૃથ્વી પર જીવન પણ એટલે જ સંભવ બને છે કારણ કે તે મધ્યમાં સ્થિત છે (નથી એ સૂરજથી બહુ દૂર કે નથી તે બહુ નજીક), અને એટલે જ તેના પરનું પાણી પ્રવાહી રૂપમાં રહીને અનેક જીવોને માટે જીવનદાયી બની રહે છે.

Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા