41. અંતર્યાત્રાને માટે સુસંગત બુદ્ધિ

 

યોગ એટલે આપણા બહારનાસ્વ’ નું આપણા અંતરાત્મા સાથે જોડાવું. એ કર્મયોગ, ભક્તિયોગ,  સાંખ્યયોગ અને બુદ્ધિયોગ એવા અનેક માર્ગોથી મેળવી શકાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વભાવ ને અનુરૂપ માર્ગે આ યોગ સાધી શકે છે.

શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, “આ સમત્વરૂપ બુદ્ધિયોગ કરતાં સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે, માટે તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત બુદ્ધિયોગનો જ આશરો લે; કેમકે ફળનો હેતુ બનનારા અર્થાત ફલાપેક્ષી જનો દયાને પાત્ર છે" (2.49). અગાઉ, શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે "કર્મયોગમાં, બુદ્ધિ નિશ્ચયાત્મિક છે અને જેઓ અસ્થિર છે તેમની બુદ્ધિ બહુશાખા એટલે કે ઘણા પ્રકારની હોય છે" (2.41).

એકવાર જ્યારે બુદ્ધિ જેમ કોઇ બૃહદ દર્શક કાચ પ્રકાશનાં કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરે છે તેમ નિશ્ચયાત્મક બની જાય છે ત્યારે તે અંતર્યાત્રા પ્રકારની કોઈક બૌદ્ધિક યાત્રા કરવા માટે સક્ષમ બને છે. કોઇપણ યાત્રા, એ અંતરાત્મા તરફની હોય કે અન્ય કોઈ, તેમાં દિશા અને ગતિ નું હોવું અનિવાર્ય છે.  અહીં શ્રીકૃષ્ણનો બુદ્ધિયોગનો સંદર્ભ અંતરાત્મા તરફની યાત્રા માટે છે.  સામાન્ય રીતે આપણે નિશ્ચયાત્મક બુદ્ધિનો ઉપયોગ આપણા ભૌતિક જગતની ઇચ્છાઓની પૂર્તિ માટે કરીએ છીએ પરંતુ વાસ્તવમાં તેનો ઉપયોગ આપણી અંતર્યાત્રાની પૂર્તિ કરવા માટે કરવો જોઈએ.

આ૫ણી નિશ્ચયાત્મક બુદ્ધિ અંતરાત્મા તરફની છે તેની સર્વ પ્રથમ નિશાનીઓમાં આપણી ઊંડામાં ઊંડી માન્યતાઓ, લાગણીઓ, ધારણાઓ, વિચારો, ક્રિયાઓ કે આપણા શબ્દો સહિત બધી જ બાબતો પ્રત્યે આપણે પ્રશ્ન કરવાનું શરૂ કરી દઈએ છીએ. જે રીતે એક વૈજ્ઞાનિક પોતાના જ્ઞાનની સીમાઓને વિસ્તારવા માટે સતત પ્રશ્નો નો ઉપયોગ કરે છે એ જ રીતે આ પ્રશ્નો દ્વારા આપણે પરમ સત્યને પણ જાણી શકીયે.

શ્રીકૃષ્ણ આગળ કહે છે કે એ લોકો જ દુઃખી હોય છે કે જેઓ માત્ર કર્મફળના ઉદ્દેશથી જ કર્મ કરે છે. આ વૃત્તિ આપણામાં એ માટે વિકાસ પામે છે કારણ કે કર્મફળથી આપણને સુખ પ્રાપ્ત થાય છે. આ દ્વંદ્વ યુક્ત જગતમાં દરેક સુખ સમયાંતરે દુઃખમાં પરિણામે છે અને આ રીતે આપણા જીવનમાં દુઃખનો વધારો થાય છે.

શ્રીકૃષ્ણ આપણને ક્યાંય પણ આ દ્વંદ્વથી રક્ષા કરવાની ખાતરી નથી આપતા તેને બદલે તેઓ આપણને બુદ્ધિના ઉપયોગ વડે આ દ્વંદ્વોની પાર જઈને આત્મવાન થવાનું કહે છે. આ સ્થિતિમાં ન તો કશું જાણવાનું છે કે ન તો કશું કરવાનું હોય છે, એ તો માત્ર 'હોવાનું' જ હોય છે. 


Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા