40. કર્તાભાવનો ત્યાગ


 શ્લોક 2.48 માં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, ''સફળતા અને નિષ્ફળતાના દ્વંદ્વો સાથેની એકરૂપતા ત્યાગીને, હે અર્જુન, તું કર્મ કરતાં-કરતાં યોગ એટલે કે સમત્વમાં સ્થિર થા”. બીજા શબ્દોમાં કહીએ તો જો આપણે દ્વંદ્વો સાથે એકરૂપ થવાનું બંધ કરી દઈએ તો આપણે જે કંઈ પણ કરશું એ સુમેળ ભર્યું જ થશે.

આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પસંદગીઓ અને નિર્ણયો કરવાના આવે છે. સતત તોલમા૫ કરતું આપણું મન એ વિકલ્પોમાંથી પસંદગીઓ કરતું રહે છે. શ્રીકૃષ્ણ તેને માટે સુખ-દુઃખ, લાભ-હાનિ, જય-પરાજય અને સફળતા-નિષ્ફળતાઓ જેવા શબ્દોમાં વર્ગીકૃત કરે છે (2.38).

સમત્વ એટલે બે પરસ્પર વિરોધાભાસો પ્રત્યે પણ સમાન વલણ રાખવું જેને સામાન્ય રીતે તેની પર જવું એવું કહેવાય છે. જયારે આ બાબત સિદ્ધ થાય છે ત્યારે વિરોધાભાસમાં આપણને ઢસડી જતું આપણું મન નબળું પડે છે અને તેનામાં એક પસંદગી રહિત જાગૃતિ નો ઉદય થાય છે. આ એક એવી ક્ષમતા છે કે જ્યારે આપણે દ્વંદ્વોને પારખતા હોવા છતાં પણ આપણે તેનાથી પર રહી શકીએ છીએ અને ત્યારે ચોક્કસપણે આપણે નિંદ્રાધીન, નશામાં કે સુષુપ્ત હોતા નથી. ત્યારે આપણે માત્ર વર્તમાન ક્ષણમાં હોઇએ છીએ અને એક અવલોકન કર્તા તરીકે એ ક્ષણમાં રહીએ છીએ.

કર્મ કરતાં-કરતાં પણ સમત્વ સિદ્ધ કરવાનો વ્યાવહારિક માર્ગ એ છે કે આપણે કર્તાપણાંનો ત્યાગ કરીને માત્ર સાક્ષી બનીએ. એ કોઈ નાટકમાં પૂરેપૂરી તીવ્રતા, સમર્પણ, દક્ષતા અને ખેવના સાથે એટલે કે સર્વ રીતે આપણું શ્રેષ્ઠ પ્રદાન કરીને દરેક સંજોગોમાં આ૫ણું પાત્ર ભજવીએ એના જેવું છે. એ જ રીતે જીવન રૂપી આ વિશાળ મંચ પર પણ આપણે આપણા પાત્રો ખૂબ જ ખંત પૂર્વક નિભાવવા જોઇએ. એ પાત્ર પુત્ર કે પુત્રી, પત્ની કે પતિ, માતા-પિતા, મિત્ર, કર્મચારી, માલિક, સહકર્મચારી, કોઈના કામ પર દેખરેખ રાખનાર કે એવું કોઈ પણ હોઈ શકે. એક દિવસમાં આપણે જુદા-જુદા પાત્રો ભજવીએ છીએ તે  દરેક પાત્રમાં આપણે શ્રેષ્ઠ પ્રદાન કરવું જોઈએ અને આપણે એ બાબતની પૂરેપૂરી જાગૃતિ રાખવી જોઈએ કે આપણે એ નાટકના ભાગરૂપે એક પાત્ર જ ભજવીએ છીએ.

આનો અભ્યાસ આપણા જીવનમાં થોડા દિવસ માટે કરી શકીએ કે જેમાં આપણને જે પણ પાત્ર મળે તેને આપણે શ્રેષ્ઠ રીતે ભજવીએ અને આપણે સ્વયં અનુભવશું કે તેનાથી આપણા અસ્તિત્વમાં સંવાદિતા સર્જાય છે.  

 

Comments

Popular posts from this blog

58. ઇચ્છાઓ અને જીવનના ચાર તબક્કા

55. વિષચક્ર અને શુભચક્ર

61. અનિશ્ચિત મનને માટે નિશ્ચિતતા