37. એ જ અર્જુન એ જ બાણ
જ્યારે કોઈ સફળ કે સક્ષમ વ્યક્તિ નિષ્ફળ જાય છે ત્યારે એ સ્થિતિ વિશે એવું અવારનવાર કહેવાય છે કે વહી અર્જુન વહી બાણ.
એક યોદ્ધા તરીકે
અર્જુન કદી કોઇ યુદ્ધ હાર્યો ન હતો. પરંતુ તેના જીવનના પૂર્વાર્ધમાં તે એક નાનું એવું
યુદ્ધ હારી ગયો હતો કે જેમાં તેણે પરિવારના અમુક સભ્યોને લૂંટારાઓ થી બચાવવાના હતા. આ બાબત વિશે તે પોતાના ભાઈઓને કહે છે કે, ''મને ખબર ન પડી કે શું થયું. હું એ જ અર્જુન છું અને
આ મારા બાણ પણ એ જ બાણ છે કે જેનાથી કુરુક્ષેત્રનું
યુદ્ધ જીત્યા હતા ૫રંતુ આ વખતે મારા બાણમાં ન તો એ શક્તિ હતી કે ન તો એ નિશાન પર લાગતા
હતા”. તે જણાવે છે કે તેણે ત્યાંથી ભાગી જવું
પડ્યું અને તે પેલા પરિવારનું રક્ષણ ન કરી શક્યો.
જીવનના અનુભવો આપણને
જણાવે છે કે આવી ઘટના દરેકના જીવનમાં ઘટી શકે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે એક ખૂબ જ કુશળ
રમતવીર કોઈક સમયે પોતાની શ્રેષ્ઠ રમત દાખવી શકતો નથી અને હારી જાય છે. એ જ રીતે કોઈ
અભિનેતા કે ગાયક પણ અચાનક જ નિષ્ફળતા પામે છે. ત્યારે વ્યક્તિનું ભાગ્ય કે તેનો સમય ખરાબ છે એવું કહેવાય છે પરંતુ તેમ છતાં એવું નિશ્ચિત
પણે કોઈ નથી કહી શકતું કે આવું શા માટે થાય છે. અમુક અનુમાનો કે અટકળો સિવાય આવી બાબતોનો
ભાગ્યે જ કોઈ વૈજ્ઞાનિક ખુલાસો મળી શકે છે.
આ સંદર્ભે કર્મ
અને કર્મફળ વચ્ચેના સંબંધો વિશે કહેતી વખતે શ્રીકૃષ્ણ કહે છે કે કર્મની પૂર્ણતા પાછળ
જે અનેક પરિબળોનો ફાળો હોય છે તેમાંનું એક પરિબળ છે દૈવમ (ભગવાનના આશીર્વાદ, ઇચ્છા કે તેમનો ફાળો) (18.14). દૈવમ એ એક એવું અકળ તત્ત્વ છે કે જેને આ વ્યક્ત જગતના દ્રષ્ટિકોણથી જાણી
શકાતું નથી. અને એટલા માટે જ શ્રીકૃષ્ણ કહે છે કે આપણો અધિકાર કર્મ પર છે, પણ કર્મફળ પર નથી.
હસ્તરેખા વિજ્ઞાન, જ્યોતિષ શાસ્ત્ર અને રાશિફળ જેવી અમુક ક્રિયા વિધિઓ
છે પરંતુ તેમાંનું એક પણ દૈવમ ન કહી શકાય. એ જ રીતે એવી કોઈ વૈજ્ઞાનિક સંકલ્પના પણ
નથી કે જેના આધારે દૈવમ વિશે ધારણા બાંધી શકાય.
શ્રીકૃષ્ણ કહે છે
કે આપણે તો નિમિત્ત માત્ર છીએ, સર્વશક્તિમાન પરમાત્માની
આ વિરાટ રચનાના એક નાનકડા ભાગ
સમાન (11.33). આ૫ણે જો આપણી સફળતાઓને આપણામાં અહંકાર લાવવા નહીં
દઈએ તો આપણી નિષ્ફળતાઓ ૫ણ આપણને દુઃખ નહીં પહોંચાડી શકે, કારણ કે આ બંને દૈવમ ને આધીન છે.

Comments
Post a Comment