33. વેદોની પેલે પાર
એક વખત કેટલાક મિત્રો
સાથે મળીને યાત્રા કરતા હતા ત્યારે રસ્તામાં તેમને એક મોટી નદી પાર કરવાની આવી તેઓએ એક હોડી બનાવવી અને નદી પાર કરી. પછી તેઓએ એ
ભારે ભરખમ હોડીને પોતાની સાથે જ રાખવા નિર્ણય કર્યો કે જેથી તેઓ પોતાની આગળની યાત્રામાં
પણ તેનો ઉપયોગ કરી શકે. પરિણામ એ આવ્યું કે તેઓની યાત્રામાં વિલંબ થયો કારણ કે તેમની હવે પછીની યાત્રામાં માર્ગ પર કોઈ નદી હતી
જ નહીં. અહીં નદી પીડા ની સૂચક છે અને હોડી એ આ પીડા ને પાર કરવાનું એક સાધન છે.
આપણા રોજિંદા જીવનમાં
આપણે ભોગવવી પડતી મુશ્કેલીઓ કે અમુક વિરોધાભાસ માંથી રાહત મેળવવા માટે ઘણા બધા સાધનો
અને ક્રિયા વિધિઓ છે. આપણા વેદોમાં એવી ઘણી ક્રિયા વિધિઓનું વર્ણન જોવા મળે છે કે જે
આપણા આ રોજિંદા જીવનમાં આવતા ક્ષણિક દુઃખો કે વિરોધાભાસોમાં આપણને શાંતિ આપી શકે.
હવે જ્યારે આપણને સ્વાસ્થ્ય, વેપાર-ધંધા, કોઈ કામ કે પરિવારની બાબતે આવતી મુશ્કેલીઓ વખતે આ
ક્રિયા વિધિઓનો ઉપયોગ કરીએ તો એ તર્કસંગત જણાય છે.
શ્રીકૃષ્ણ અર્જુનને
ચેતવે છે કે વેદોના માત્ર બાહ્ય અર્થઘટનને આધારે આપણા આ જીવનમાં
અને જીવન પછી પણ સ્વર્ગની ખાતરી આપતા અજ્ઞાનીઓની જાળમાં ફસાવા જેવું નથી (2.42-2.46). તેઓ તેને આત્મવાન
બનવા માટે દ્વંદ્વાતીત અને ગુણાતીત બનવાની પ્રેરણા આપે છે (2.45). તેઓ એમ પણ જણાવે છે કે જ્યારે કોઈ વિશાળ સરોવર
મળતું હોય ત્યારે કોઈક ને નાનકડાં ખાબોચિયાં ની શું જરૂર પડે, તે જ રીતે આત્મવાનને માટે વેદોએ નાનકડાં ખાબોચિયાં
સમાન છે (2.46).
જે રીતે આપણી આગળની
યાત્રામાં મુસાફરી કર્યા બાદ હોડીને છોડી દેવામાં જ શાણ૫ણ રહેલું છે તે જ રીતે શ્રીકૃષ્ણ
સુખ અને સત્તા મેળવવાના પ્રયત્નોની વ્યર્થતા સમજાયા બાદ વેદોની પેલે પાર જવાનું સૂચવે છે.
શરૂઆતમાં જ શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે ઇંદ્રિયજન્ય વિરોધાભાસો આપણી અંદર દ્વંદ્વ સર્જે છે આથી તેને અનિત્ય જાણીને અવગણવા જોઈએ (2.14). તેઓ ભારપૂર્વક કેવળ સાક્ષી બનીને આ બધાની ક્ષણિકતાને જોવાનું જણાવે છે. આ રીતે શ્રીકૃષ્ણ બનાવટી સુખ કરતાં વાસ્તવિક આનંદની પ્રાપ્તિને યોગ્ય ગણે છે.

Comments
Post a Comment