29. સંતુલન એ જ પરમપદ
શ્લોક 2.38 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો
સમગ્ર સાર આવી જાય છે. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે જો તે સુખ અને દુઃખ, લાભ અને
હાનિ, જય અને પરાજય બધાને સમાન
ભાવે સમજીને યુદ્ધ કરશે તો
તે સર્વ પાપોથી મુક્ત થઈ જશે.
આ શ્લોકમાં
આપણને એમ કહેવામાં આવ્યું છે કે આપણા દરેક કર્મો કોઇક ને કોઇક ઇચ્છાથી પ્રેરિત હોય
છે અને આ પ્રેરણા જ આપણા કર્મને અશુદ્ધ અને પાપ યુક્ત બનાવે છે. આપણે ભાગ્યે જ કોઈ
કર્મ સુખ, લાભ કે વિજય મેળવવા માટે અથવા તો દુઃખ, હાનિ કે પરાજય થી બચવા માટે કરીએ છીએ.
સાંખ્ય અને
કર્મયોગની દ્રષ્ટિએ જોઈએ તો કોઈપણ કર્મ ને ત્રણ ભાગમાં વહેંચી શકાય કર્તા, કર્મ અને કર્મફળ. શ્રીકૃષ્ણ કર્મફળ ને પણ ત્રણ ભાગમાં
વહેંચે છે સુખ- દુઃખ, લાભ-હાનિ અને
જય-પરાજય.
શ્રીકૃષ્ણ
આપણને એ બાબતે ઈશારો કરે છે કે આપણે સંતુલન માટે આ ત્રણે થી પોતાની જાતને મુક્ત
કરી દેવી જોઈએ. આ માટેનો એક રસ્તો એ છે કે આપણે કર્તાપણા ને છોડીને સાક્ષીભાવ કેળવીએ. આમ કરવાથી આપણને અનુભવ થશે કે જીવનના મહાન નાટકમાં આપણે જે પાત્ર
ભજવીએ છીએ તે ખૂબ જ નજીવું છે. સંતુલન જાળવવાનો બીજો રસ્તો એ છે કે આપણે એ બાબત
સમજી લઈએ કે કર્મફળ પર આપણો કોઈ જ અધિકાર નથી કારણ કે કર્મફળ માટે આપણા પ્રયત્નો
ઉપરાંત બીજા અનેક પરિબળો જવાબદાર છે. આ બંને માર્ગ એટલે કે કર્તાપણું છોડી દેવું
અથવા તો કર્મફળનો ત્યાગ કરવો એ બંને એકબીજા સાથે જોડાયેલા છે અને જ્યારે સાધક એક
પર પ્રગતિ કરે છે ત્યારે બીજા પર ની પ્રગતિ આપોઆપ થાય છે.
હવે જો કર્મ ની વાત કરીએ તો એ એવું તત્ત્વ છે જે આ પૃથ્વી પર આપણા સૌના આવવા પહેલા ૫ણ
હતું. એના પર ન તો આપણો કોઈ અધિકાર છે કે ન તો આપણે તેના પરિણામ પર કોઈ અંકુશ
ધરાવીએ છીએ.
આ શ્લોક ને આપણે ભક્તિયોગ ની દ્રષ્ટિએ પણ જોઈ શકીએ કે જેમાં
ભાવ જ સર્વસ્વ છે. શ્રીકૃષ્ણ કર્મ કરતાં ભાવને વધારે મહત્વ આપે છે. કોઈ સાધક
જ્યારે આ રીતે અંતર મનથી ભાવપૂર્ણ રીતે પોતાના ઇષ્ટને શરણે જાય છે ત્યારે તેનામાં
સમભાવ તો આપોઆ૫ જ કેળવાય છે.
કોઈપણ વ્યક્તિ
પોતાને ઉચિત લાગે એ માર્ગનું ચયન કરી શકે છે.
માર્ગ ભલે ગમે તે હોય માત્ર આ શ્લોક પર ઊંડું
ચિંતન મનન કરવાથી પણ વ્યક્તિ અહંકારથી મુક્ત અંતરાત્માને પામે છે.

Comments
Post a Comment