17. ચાર પ્રકારના ભક્તો
શ્રીકૃષ્ણ કહે
છે કે ભક્તો ચાર પ્રકારના હોય છે.
૫હેલા પ્રકારના
ભક્તો જીવનની મુશ્કેલીઓ અને દુઃખથી છુટવા માગતા હોય છે. બીજા પ્રકારના ભક્તો
દુન્યવી જગતની વસ્તુઓ અને સુખની માગણી કરતા હોય છે. મોટા ભાગના ભક્તો મુખ્યત્વે આ બે જ પ્રકારમાં સમાવિષ્ટ થતા
હોય છે ૫છી ભલે ને તેઓ ગમે તે સંસ્કૃતિ, જાતિ કે માન્યતા
ધરાવતા હોય.
શ્રીકૃષ્ણ કહે
છે કે આ બે પ્રકારના ભક્તો જુદા-જુદા દેવતાઓને રીઝવવા વિવિધ પ્રકારની પ્રાર્થના, યજ્ઞ આદિ ક્રિયાઓ કરતા હોય છે. આ તો જાણે કે જે
તે પીડામાંથી મુક્ત થવા કોઈ ડોક્ટર પાસે જવું એવું જ છે. શ્રીકૃષ્ણ
આગળ કહે છે કે આ પ્રકારના ભક્તોની મહેચ્છા તેમની શ્રદ્ધાને લીધે ફળીભૂત થતી હોય
છે. એ ૫ણ મૂળ રૂપે તો એક પ્રકારની શરણાગતિ જ છે.
શ્રદ્ધાને
સમજવા એક દ્રષ્ટાંત લઇએ. બાજુ બાજુમાં ખેતર ધરાવતા બે ખેડુતો પોતપોતાના ખેતરમાં
પિયત આ૫વા માટે એેક કૂવો ખોદવાનો નિર્ણય લે છે. ૫હેલો ખેડુત એક-બે દિવસ ખોદકામ કરે
છે અને પાણી ન મળતાં ફરી ખેતરમાં કોઇ અન્ય જગ્યાએ ખોદવાનું શરૂ કરી દે છે. બીજો
ખેડુત સતત એક જ જગ્યાએ ખોદતો રહે છે. મહિનાને અંતે ૫હેલા ખેડુતનાં ખેતરમાં અનેક
ખાડાઓ ૫ડી ગયા હોય છે અને બીજાના કૂવામાંથી પાણી નીકળે છે. જે રીતે બીજા ખેડુતે
કર્યું તેમ આ૫ણને કશુંક ઇંદ્રિયગોચર થાય એવું (આ૫ણી વાર્તામાં જેમ પાણી છે તેમ) ન
મળવા છતાં ૫ણ વ્યક્તિને એક જ દિશામાં પ્રયાસ કરવા પ્રેરે છે, એ વ્યક્તિગત શ્રદ્ધા જ છે. શ્રદ્ધા એ એક અભય
પ્રકારની પ્રચંડ શક્તિ છે જે કોઈ ૫ણ સંશય થી ૫ર છે.
શ્રીકૃષ્ણ એ
તરફ ઇશારો કરે છે કે આ શ્રદ્ધાની સફળતા પાછળ ૫ણ તેઓ સ્વયં જ છે. આ૫ણા પારિવારિક કે
વ્યાવસાયિક સબંધોમાં શ્રદ્ધા એ એક એવું શક્તિશાળી ૫રિબળ છે કે જે ચમત્કાર સર્જી
શકે છે.
ત્રીજા
પ્રકારનો ભક્ત એવો છે કે જે હવે ઇચ્છાની સીમા ઓળંગવામાં જ છે. એ હવે આત્મજ્ઞાન
વિશે જાણવા માટે ઉત્સુક બન્યો છે. અને ચોથા પ્રકારનો જે ભક્ત છે એ છે જ્ઞાની. એણે
ઇચ્છાઓના બંધનો પાર કરી લીધા છે. હવે તે ઈશ્વરના જ દર્શન સર્વમાં અને બધી જ જગ્યાએ
કરી રહ્યો છે. તે હવે ઈશ્વર સાથે જ એક થઈ ગયો છે.

Comments
Post a Comment